જંત્રીના ભાવ મામલે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ, ‘નવી જંત્રી જ અમલમાં રહેશે, નિયમમાં ફેરફાર હશે તો જણાવીશું’
News18 Gujarati Updated: February 7, 2023, 5:36 PM IST
ઋષિકેશ પટેલ - ફાઇલ તસવીર
ગાંધીનગરઃ જંત્રીના ભાવ મામલે અસમંજસતા સર્જાતા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરવા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતુ. જાણો તેમણે શું કહ્યુ...
ગાંધીનગરઃ જંત્રીના ભાવ મામલે સ્પષ્ટતા કરતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ‘હાલ નવી જંત્રી અમલમાં રહેશે. સરકારે બિલ્ડરોની રજૂઆત સાંભળી છે. નિયમમાં ફેરફાર હશે તો જાણ કરવામાં આવશે.’ બિલ્ડર એસોસિએશન તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, 100 ટકાની જગ્યાએ 50 ટકા જંત્રી વધારવામાં આવે અને મે મહિનાથી તેનો અમલ કરવામાં આવે. પરંતુ હાલ સરકારે જે નક્કી કર્યુ છે તે જ અમલમાં રહેશે.
આ ઉપરાંત મંત્રીએ જણાવ્યુ હતુ કે, ‘4 તારીખ સુધીમાં જેમણે દસ્તાવેજ લઈ લીધા હોય અને દસ્તાવેજ એક્ઝિક્યુટ થઈ ગયા હોય તે બધાને જૂની જંત્રી લાગુ પડશે. પરંતુ 4 તારીખ પછી સ્ટેમ્પ પેપર ખરીદવામાં આવશે તો તેના પર નવી જંત્રી લાગુ પડશે.’
બિલ્ડર એસોસિએશને સરકારને રજૂઆત કરી હતી
જંત્રી વધારા બાદ રાજ્યના ડેવલપર પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળ્યું હતું. મુખ્યમંત્રી સાથે બિલ્ડરોએ બેઠક યોજી હતી. જે બાદ બિલ્ડર્સનું કહેવું છે કે, મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી સકારાત્મક હોવાનો બિલ્ડરોનો દાવો છે. અમદાવાદ ક્રેડાઈ સહિત 40 સીટી ચેપટરના પ્રતિનિધિઓએ મુલાકાત કરી હતી.
જંત્રી 1 મેથી લાગુ કરવા ડેવલપરની માંગ
જંત્રી 1 મેથી લાગુ કરવા ડેવલપરની માંગ છે. જંત્રીમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા માંગ છે. એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરને અસર ના થાય એ રીતે જંત્રી લાગુ કરવા રજૂઆત કરી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત મુખ્ય સચિવ અને મહેસુલ સચિવ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. બીજી તરફ આજથી જંત્રીના નવા ભાવ પણ એડહોક પ્રમાણે લાગુ કરાયા છે.
Published by:
Vivek Chudasma
First published:
February 7, 2023, 5:30 PM IST