

ગીતા મહેતા, ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ શાસનના 1,460 દિવસ પૂરા કર્યા છે. એટલે કે 7મી ઓગષ્ટ, 2016ના દિવસે મુખ્યમંત્રી પદે નિયુક્ત થયેલા રૂપાણીએ ચાર વર્ષ પૂર્ણ (Vijay Rupani Government completed Four Year) કર્યાં છે. રૂપાણીને પાર્ટીના અંદરના નેતાઓએ ઘેરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેઓ ચૂપચાપ તેમનું શાસન કરી રહ્યાં છે. દર છ મહિને એટલે કે અત્યાર સુધીમાં આઠ વખત તેમને બદલવાની અટકળો તેજ બની હતી પરંતુ તેઓ યથાવત છે.


ગુજરાતના 16મા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓગષ્ટના શ્રાવણ માસમાં તેમના શાસનના 1,460 દિવસ પૂરાં કર્યા છે. તેમણે 2019ના અંતિમ મહિના ડિસેમ્બરમાં રાજ્યના પહેલા મુખ્યમંત્રી જીવરાજ મહેતાના કુલ શાસન જેટલા એટલે કે 1,238 દિવસોનો રેકોર્ડ તોડ્યો હતો. પાર્ટીમાં વહેતી અટકળો વચ્ચે તેમની ખુરશી આજે પણ સલામત છે.


2022 સુધી તેઓ 20-20 ક્રિકેટ મેચ જેવી ઇંનિગ્સ ખેલવાના છે, કારણ કે આ વર્ષમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેઓ પાર કરવાના છે. વિજય રૂપાણીએ માત્ર જીવરાજ મહેતાના શાસનનો જ નહીં તે ઉપરાંત બળવંત મહેતા (738), ધનશ્યામ ઓઝા (488), બાબુભાઇ જસભાઇ પટેલ (1253), છબીલદાસ મહેતા (391), સુરેશચંદ્ર મહેતા (338), શંકરસિંહ વાઘેલા (370), દિલીપ પરીખ (128) અને આનંદીબહેન પટેલના (808) દિવસના શાસનનો રેકોર્ડ તોડ્યો છે.


હવે તેમણે ઓગષ્ટ 2020માં કેશુભાઇ પટેલના 1312 દિવસનો રેકોર્ડ તોડ્યો છે. ગુજરાતની ગાદી પર ત્રણ મુખ્યમંત્રી એવા આવ્યા છે કે જેમના શાસનના રેકોર્ડ તોડવા મુશ્કેલ છે. જેમાં પહેલા હિતેન્દ્ર દેસાઇ છે. જેમણે 2,062 દિવસનું અને માધવસિંહ સોલંકીએ 2,019 દિવસ સુધી શાસન કર્યું છે. ત્રીજા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે, કે જેમણે સૌથી વધુ 4,610 દિવસ સુધી રાજ્યનું વાયબ્રન્ટ સુકાન સંભાળ્યું છે.