

સંજય ટાંક, અમદાવાદ : પતંગ ચગાવવાની મજા ત્યારે જ આવે જ્યારે તમારો પતંગ ઉડી આકાશમાં જાય. પતંગ બરાબર ત્યારે ઉડે જ્યારે તેની કિન્ના યોગ્ય રીતે બંધાઈ હોય. એવામાં જો પવન પણ સાથ ન આપે ત્યારે પતંગ રસિયાઓ નિરાશ થઈ જતા હોય છે. પરંતુ હવે પતંગ રસિયાઓએ નિરાશ થવાની જરૂર નથી. કારણકે પતંગની કિન્ના બાંધવાની આવી ગઇ છે એક એવી ટ્રિક કે જેનાથી તમારો પતંગ ઉંચે આકાશમાં હવા સાથે વાતો કરશે.


તો કઈ છે એ ટ્રીક તે જાણવું પણ જરૂરી બની ગયું છે. એવા ઘણા લોકો છે જેમને પતંગ ચગાવવાનો શોખ છે પણ તેમને પતંગ ચગાવતા આવડતું નથી. અમદાવાદના પતંગ રસિક મુકેશભાઈએ પતંગની કિન્ના બાંધવાની એક એવી ટ્રિક અપનાવી છે જે જાણી લીધી તો ગમે તેવો પતંગ આસાનીથી આકાશમાં ઉડાડી શકાય છે.


મુકેશભાઈનું કહેવું છે કે પતંગ ચડાવવા માટે તેની કિન્ના બાંધવાના ઉપયોગી માપ જાણવા જરૂરી છે. અને આ માપ છે શૂન્ય-શૂન્ય, શૂન્ય-સવા અને સવા દોઢ. પહેલી વાર પતંગ ચડાવનાર માટે શૂન્ય-શૂન્ય માપ છે અને પતંગને હવા સાથે વાતો કરાવવા માટે શૂન્ય-સવા અને સવા-દોઢ માપ યોગ્ય છે. કમાનની ગાંઠ વાળેલી હોય તે અને નીચે વાળી દોરી બંને સરખી હોય તો તેને શૂન્ય શૂન્ય કહેવાય. કમાન પર દોરીની જે ગાંઠ મારેલી છે તેમાં બે આંગળી વધે તો શૂન્ય સવા ગણાય. નીચે બે આંગળી વધે અને કમાન ચાર આંગળી વધે તો તે સવા દોઢ ગણાય છે.


મહત્વનું છે કે આકાશમાં ઉડતા પતંગ અને પતંગ ચડાવનાર વચ્ચે પતંગની કિન્ના એક કડી રુપ ભુમિકા ભજવે છે એટલે જ જો કિન્ના વ્યવસ્થિત હશે તો પતંગ સરર કરતી હવામાં ઉડી જશે. ઉત્તરાયણને સંપૂર્ણ રીતે માણવા માટે તેની નાનામાં નાની બાબતનું જ્ઞાન હોવું જરુરી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે હવામાન વિભાગે દર વર્ષ કરતા આ વર્ષે પવનની ગતિ ધીમી રહેવાની આગાહી કરી છે. જો આ ટ્રિક આવડી ગઈ તો પવનની ધીમી ગતિમાં પણ પતંગ આકાશમાં ઊંચે ઉડશે.