

હાલ દુબઇમાં આઈપીએલ (IPL) ચાલી રહી છે. ત્યારે ચેન્નાઇ સુપર કિંગ્સના (chennai super kings) કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની (Mahendrasigh Dhoni) પાંચ વર્ષની દીકરી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં આપત્તિજનક કમેન્ટ કરી હતી. સોશિયલ મીડિયામાં ધોનીની પત્ની સાક્ષીના (Sakshi) ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 5 વર્ષની દીકરી જીવા (ziva) સાથે રેપ કરવાની ધમકી આપી હતી. ધોનીની પુત્રી પર બળાત્કાર કરવાની ધમકી આપનાર એન્ટી સોશિયલ યુઝરની કચ્છના (Kutch) મુન્દ્રા તાલુકાના કપાયા ગામમાંથી પૂર્વ કચ્છ પોલીસ (Kutch Police) દ્વારા અટકાયત કરવામાં આવી છે. ધોરણ 12માં અભ્યાસ કરતા આ સગીરની ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા એક્ટ અંતર્ગત ધરપકડ કરી છે. હવે તેને ઝારખંડ પોલીસને સોંપવામા આવશે.


આ ધમકી બાદ રાંચી પોલીસ સતર્ક થઈ ગઈ હતી. ધોનીના સિમલિયા સ્થિત ફાર્મ હાઉસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સાથે ધોનીના ઘરની બહાર સ્ટેટિક ફોર્સ નિયુક્ત કરવામાં આવી છે.


મહત્વનું છે કે, ગત બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાયેલી મેચમાં સીએસકે બીજી ઈનિંગમાં ટાર્ગેટ ચેઝ કરી શકી નહોતી. પરિણામે કેપ્ટન ધોનીની સોશિયલ મીડિયામાં ટીકા થઈ હતી. પરંતુ આ સગીરે સોશિયલ મીડિયામાં આવી કોમેન્ટ કરીને તમામ હદો વટાવી દીધી હતી.


સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ધમકી મળ્યાં બાદ તેમના સિમલીયા અને હરામૂ નિવાસસ્થાન પર સુરક્ષા વધારવામાં આવી છે. ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (જેએસસીએ) અને ભૂતપૂર્વ ક્રિકેટરોએ આ ઘટનાની ઘણી જ નિંદા કરી હતી. આ સાથે માંગ કરી હતી કે, દોષીની વહેલી તકે ધરપકડ કરવામાં આવે. ધોની સિમલીયામાં પરિવાર સાથે રહે છે.