

અંકિત પોપટ, રાજકોટ : રાજકોટમાં ફરી એક વખત સંબંધોનું ખૂન થયું છે. પતિએ પત્નીની મિલકત તેનો પ્રેમી ઓળવી ના લે તે માટે પોતાના પિતરાઈ ભાઈ - ભાભી સહિત 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે ચાવડાએ જણાવ્યું હતું કે, ગત 30મી નવેમ્બરના રોજ માંડા ડુંગરની સુંદરમ પાર્ક સોસાયટીની શેરી નંબર 3 ના એક મકાનમાંથી દુર્ગંધ આવતી હોવાની જાણ સોસાયટીના રહેવાસીઓએ આજીડેમ પોલીસ તથા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કરી હતી. જે બાદ મારી ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચતા એક મહિલાની ગળાફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી હતી પરંતુ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરતા શરૂઆતથી જ બનાવ ગુનાહિત હોવાની શંકા ગઈ હતી. જેથી તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી લાસને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવી હતી. ત્યારે પીએમ રિપોર્ટમાં ડોક્ટરે પ્રાથમિક કારણ જણાવતાં સમગ્ર મામલે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ 302, 120(બી), 114 મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ હતો.


મરણ જનાર ભારતીબેન તથા તેના પતિના લગ્ન આશરે 15 વર્ષ પહેલા થયા હતા. બંનેના લગ્ન જીવન દરમિયાન સંતાનમાં ચાર દીકરીઓ થવા પામી છે. જે પૈકી એક દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી પતિ-પત્ની વચ્ચે ગૃહ કલેશના કારણે રાગ-દ્વેષ થવા પામ્યો હતો. ભારતીબેન તેના પાડોશી પ્રવીણભાઈ મેણીયા સાથે પ્રેમ સંબંધમાં હતા. ભારતીબેન તેના પતિને છોડી છેલ્લા દોઢ મહિનાથી પ્રેમી પ્રવીણભાઈ સાથે મૈત્રી કરાર કરી રહેવા લાગ્યા હતા. તે દરમિયાન અવારનવાર તે પોતાની માલિકીના સુંદરમ પાર્ક ખાતેના મકાન ખાતે રહેવા માટે જતા અને ત્યાં કેટલાક દિવસ રોકાયા પણ હતા. ત્યારે ભારતીબેનના નામે રહેલ સુંદરમ પાર્ક ખાતે આવેલા મકાનો તથા અન્ય મિલકત મેળવવા માટે હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આ હત્યાના કાવતરામાં ખુદ ભારતીબેનનો પતિ આનંદ સાકરીયા તેનો પિતરાઇ ભાઇ સંજય તેમજ પિતરાઈ ભાઈ સંજયની પત્ની વર્ષા પણ સામેલ હતી.


પોલીસની પૂછપરછમાં આરોપી આનંદ સાકરીયાએ જણાવ્યું હતું કે, ભારતી તેના પ્રેમી પ્રવીણ સાથે મૈત્રી કરારમાં રહેતી હતી. તેમજ તેની સાથે રહેવા માટે મારી સાથે છુટાછેડા લેવા માંગતી હતી. ત્યારે છૂટાછેડા બાબતે સાત લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જે અંતર્ગત ભારતીએ પોતાના ઘરેણા ગીરવે મૂકીને છુટાછેડા બાબતે આપવાના થતા સાત લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યારે પૈસા હાથમાં આવતાં જ એ જ દિવસે પતિ આનંદ પોતાની પુત્રીઓ, પિતરાઈ ભાઈ સંજય, ભાભી વર્ષા સાથે દીવ ખાતે ફરવા ગયા હતા. જ્યાં આનંદ, સંજય અને વર્ષાએ ભારતીના નામે રહેલ મકાનો મેળવવા માટે તેની હત્યાનું કાવતરું રચ્યું હતું. કાવતરાને અંજામ આપવા સંજય તેની પત્ની તેમજ મુખ્ય આરોપીની 16 વર્ષની દીકરીને લઈ રાજકોટ પરત ફર્યા હતાં. ત્યારે 25 તારીખના રોજ રાત્રિના નવ વાગ્યા આસપાસ પૂર્વ આયોજિત રીતે આવી પહોંચેલા સંજયે આરોપી ધવલ મુકેશભાઈ પરમાર સાથે મળીને કોઈ બહાના હેઠળ મૃતકના ઘરે પહોંચી તેણીને ગળાફાંસો આપી તેની હત્યા કરી હતી બાદમાં તેની લાશને લટકાવી દેવામાં આવી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ હત્યાનું કાવતરૂં રચનાર મુખ્ય આરોપી આનંદ સાકરીયાને કામ થઈ ગયાની જાણ કરી હતી અને ત્યારબાદ તેઓ બધા દીવ પરત ફરી ગયા હતા. દીવથી રાજકોટ પરત ફર્યા બાદ આરોપી આનંદે ભારતીની લાશ ને સગેવગે કરવા માટે માંડા ડુંગર પાસે આટા ફેરા માર્યા હતા. પરંતુ તેમાં તેને સફળતા મળી નહોતી.


પોલીસની પૂછપરછમાં મુખ્ય આરોપી આનંદે જણાવ્યું હતું કે, તે પોતાના માતા પિતા સાથે મુંબઈ રહેતો હતો. 14 વર્ષ ની ઉંમરે તે મુંબઈથી રાજકોટ પોતાના મામા સાથે રહેવા આવી ગયો હતો. પિતાના અવસાન બાદ આનંદે રાજકોટમાં ભારતી સાથે લગ્ન કર્યા હતા. પાંચ વર્ષ પહેલા માતાનું પણ અવસાન થતાં તેના લોકરમાંથી 32 લાખ રોકડા તેમજ 35 તોલા ઘરેણાની મળ્યા હતા. રકમમાંથી આનંદે ભારતીના નામે સુંદરમ સોસાયટીમાં 32 લાખના બે મકાન લીધા હતા. એક મકાન તો માતાએ હયાતીમાં જ લઈ આપેલું હતું. બંને મકાન અને ઘરેણા છૂટાછેડા થયા બાદ ભારતીય નો પ્રેમી પ્રવીણ હડપ કરી જશે તેવી શંકા થી તેની હત્યા નીપજાવી હતી.