

અતુલ વ્યાસ, જૂનાગઢ : જૂનાગઢના રોડને લઇને અનેક વિવાદો ઉભા થયા હતા અને લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કર્યો હતો ત્યારે હવે કોર્પોરેશન દ્વારા શહેરના રોડના નવીનીકરણનું કાર્ય હાથ ધર્યું છે. 22 કરોડના ખર્ચે શહેરના તૂટેલા રોડને ફરી નવા બનાવવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.


જૂનાગઢ શહેરના રોડને લઇને કોર્પોરેશનના શાસક ભાજપ પર અનેક પ્રકારના આક્ષેપો તેમજ આંદોલનો થયા હતા. કેમ કે શહેરમાં એક તરફ ભૂગર્ભ ગટરનું કામ અને અવિરત વરસાદને લઇને તૂટ ગયેલા રોડના કારણે લોકોએ ખુબ હાડમારીનો સામનો કર્યો હતો. હવે 22 કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ આપતા શહેરના રોડના નવીનીકરણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.


કોર્પોરેશનના મેયર ધીરૂભાઈ ગોહીલ દ્વારા ભ્રષ્ટાચાર અટકાવવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે. શહેરના જે રોડ બનશે તે રોડ પર કોન્ટ્રાકરનું નામ, તેની એજન્સી, કેટલા રૂપિયાનું કામ, કઈ પદ્ધતિથી રોડ બનશે, કેટલી ગેરન્ટી, તેમનો મોબાઈલ નંબર. જેવી સંપૂર્ણ વિગતો સાથેનું બોર્ડ રોડ પર લગાવવામાં આવશે. જેને કારણે લોકોને પણ ખ્યાલ આવશે કે રોડની કામગીરી કેવી છે અને લોકોમાં પણ જાગૃતિ આવે. એટલે જૂનાગઢ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. રોડના નવીનીકરણ સાથે હવે લોકોને પણ ખ્યાલ આવશે કે નવા બની રહેલ રોડ કઈ પદ્ધતિથી બનશે. મેયર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાતા લોકોમાં પણ ખુશીની લાગણી છવાઈ છે.