અમદાવાદ: ઉત્તરપ્રદેશનો (UP) પૂર્વ સાંસદ અને માફિયા હાલ અમદાવાદની સાબરમતી જેલમાં (Ahmedabad Sabarmati Jail) બંધ છે. હત્યા, અપહરણ, ખંડણી માંગવા સહિત અનેક મોટા ગુનાઓ જેના પર લાગેલા છે તેવા અતીક અહેમદને (Atiq Ahmed) ઉત્તરપ્રદેશની નૈની સેન્ટ્રલ જેલમાંથી ગુજરાતની જેલમાં પોણા બે વર્ષ પહેલાં ટ્રાન્સફર કરાયો હતો. અમદાવાદની જેલમાં બંધ આ ખૂંખાર ગેગસ્ટરની એકે એક ગતિવિધિઓ પર જેલ પોલીસ નજર રાખી રહી છે.
અતીક પર 100થી વધુ ગુનાઓ લાગેલા છે
3 જૂન 2019ના રોજ એટલે કે અંદાજે પોણા બે વર્ષ પહેલાં, ઉત્તરપ્રદેશના માફિયા ગેંગસ્ટર અતીક અહેમદને કડકસુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમદાવાદની જેલમાં લવાયો હતો. જેલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આટલા વર્ષોથી અતીક અહેમદને જેલની હાઈ સિક્યુરિટી ઝોનમાં બંધ રાખવામાં આવ્યો છે. જ્યાં SRPના સુરક્ષા કર્મીઓ સાથે જેલના સુરક્ષા કર્મીઓ તેની દરેક ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. માત્ર 18 વર્ષની ઉંમરથી જ હત્યાના ગુનાથી જુર્મની દુનિયામાં પગ મૂકનાર અતીકનો ગુનાહિત ઇતિહાસ એટલો જ ખતરનાક છે. તેના પર અપહરણ, ધમકી અને ખંડણી ઉઘરાવવા સહિતના મોટા મોટા 100થી વધુ ગુનાઓનું લાબું લીસ્ટ છે.
સુરક્ષા કર્મીઓ તેની પર સતત નજર રાખે છેસાબરમતી જેલમા બંધ અતીક અહેમદની દિન ચર્યા વિશે જો વાત કરવામાં આવે તો અતીકને સવારે નાસ્તો બપોરે અને રાત્રે ભોજન તેમજ સાંજે ચા આપવામાં આવે છે. અતિકને બપોરે 12થી 3અને સાંજે 6થી સવારે 6 વાગ્યા સુધી જેલમાં બંધ રાખવામાં આવે છે. બાકીનો સમય તે હાઈ સિક્યુરિટી ઝોનમાં હરી ફરી શકે છે. પરંતુ તેમ છતાં સુરક્ષા કર્મીઓ સતત તેની હિલચાલ પર નજર રાખે છે. એટલુંજ નહિ અતીકને જે હાઈ સિક્યુરિટી ઝોનમાં રાખવામાં આવ્યો છે ત્યાંના દર અઠવાડિયામાં સુરક્ષા કર્મીઓનો સ્ટાફ બદલી નાખવામાં આવે છે.
અતીક અહેમદ પોતે ડાયાબિટીસની બીમારીથી પીડાઈ રહ્યો છે. દર બે દિવસએ તેનું મેડિકલ ચેકઅપ થતું રહે છે. જો તેને સામાન્ય તકલીફ હોય તો ડોકટર જેલમાં જ બોલાવવામાં આવે છે. જો કોઈ ઈમરજન્સી હોય તોજ આવા ખૂંખાર કેદીઓને બહાર કાઢવાના હોય છે. પરંતુ હજુસુધી અતીકને બહાર કાઢવાની જરૂરીયાત ઉભી થઇ નથી.
પરિવાર સુરક્ષા બંદોબસ્ત વચ્ચે જ મળે છે
મહિનામાં એક કે બે વાર તેના વકીલ તેને મળવા આવતા હોય છે. જોકે જ્યારે તેના પરિવાર જનો મુલાકાત માટે આવે ત્યારે પણ સુરક્ષાના બંદોબસ્ત વચ્ચે જ તેને પરિવારને મળવા દેવામાં આવે છે અને સ્ટાફ સમજી શકે તે ભાષામાં વાત કરવાની ફરજ પાડવામાં આવે છે. અતીક અહેમદ ને સાબરમતી જેલમાં રાખવાના કારણ અંગે જેલના સુત્રો જણાવે છે કે આ જેલ સીસીટીવી અને જામર સાથે સજ્જ છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ જેલ સંપૂર્ણ સુરક્ષિત છે. જ્યારથી તેને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે ત્યારથી તેનો સુરક્ષા ખર્ચ ઉત્તરપ્રદેશ સરકાર જ ભોગવે છે.