નવી દિલ્હી: એર ટ્રાવેલ એટલે કે વિમાન (Plane) મારફતે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખૂબ જ ઝડપથી પહોંચી શકો છો. જોકે, આ માટે એરલાઇન્સ (Airlines) કંપનીઓના પોતાના નિયમો હોય છે. દા.ત. વિશ્વભરની એરલાઇન્સના લગેજ (Baggage limit)ને લઈને પોતાના નિયમો છે. જેમાં મર્યાદા કરતા વધારે લગેજ લઈ જવા પર મુસાફરે વધારાનો ચાર્જ (Charge) ચૂકવવો પડે છે. આ ચાર્જ ખૂબ વધારે હોય છે. આ જ કારણે મુસાફરો બંને ત્યાં સુધી વધારે લગેજ લઈને જતાં નથી. લગેજ મામલે ચીનમાં એક એવો મામલો પ્રકાશમાં આવ્યો છે તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. અમુક લોકો તેને જુગાડ કહી રહ્યા છે તો કોઈ તેને મુર્ખામી રહ્યા છે. દક્ષિણ-પૂર્વ ચીનના યુનાના પ્રાંતમાં આવેલા કુનમિંગ એરપોર્ટ ખાતે આ બનાવ બન્યો હતો. અહીં ચાર મુસાફરો 30 કિલોગ્રામનું એક પાર્સલ લઈને મુસાફરી કરવા જઈ રહ્યા હતા. પાર્સલની અંદર ઑરેન્જ (Orange) હતા.
તમામ લોકો જ્યારે એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને માલુમ પડ્યું હતું કે, જો તેઓ તેમની સાથે આ 30 કિલોનું બોક્ષ લઈ જવા માંગતા હોય તો તેમણે આ માટે 300 યુઆન (3,384 રૂપિયા) ચૂકવવા પડશે. કારણ કે તેમની પાસે જેટલો સામાન હતો તે ફ્રી લગેજમાં આવી જતો હતો પરંતુ આ બોક્ષ વધારાનું હતું. જોકે, ચારેય વધારાના પૈસા આપવા માટે તૈયાર ન હતા. આથી તેઓ અડધા જ કલાકમાં તમામ ઑરેન્જ ખાઈ ગયા હતા!
આ કોઈ મજાક નથી પરંતુ સત્ય વાત છે. વાંગ નામનો વ્યક્તિ અને તેના ત્રણ સાથીઓને લાગ્યું કે લગેજ માટે જેટલી ફી માંગવામાં આવી છે તે ખરેખર ખૂબ વધારે છે. આથી તેમણે એરપોર્ટ પર જ તમામ ઑરેન્જ ખાઈ જવાનું નક્કી કર્યું હતું.
ગ્લોબલ ટાઇમ્સ સાથે વાતચીત કરતા વાંગે જણાવ્યુ હતુ કે, "અમે એરપોર્ટની અંદર એક જગ્યાએ ઊભા રહી ગયા હતા અને તમામ ઑરેન્જ ખાઈ ગયા હતા. અમને આ માટે આશરે 20-25 મિનિટ લાગી હતી."