અમદાવાદ: ભર ઠંડીમાં ઊંઘતા વેપારીને ઉઠતા વેંત છુટી ગયો પરસેવો, ઘરમાં બની ચોંકાવનારી ઘટના
Updated: December 23, 2022, 11:31 PM IST
તસ્કરો તેમના ઘરમાંથી 24.70 લાખની મતા ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
તસ્કરો તેમના ઘરમાંથી 24.70 લાખની મતા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદઃ શહેરમાં એક બાદ એક ચોરીના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. લોકોના ઘરમાંથી તસ્કરો કિંમતી મતા ચોરી કરી ફરાર થઇ રહ્યા છે. હજુ તો એક વેપારી આંગડિયા પેઢીમાંથી રૂપિયા ઉપાડી આઇ.આઇ.એમ પાસે પહોંચ્યા ત્યારે બે લોકો અકસ્માતનું નાટક કરી ઝઘડો કરી 10 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. ત્યાં હવે પૂર્વ વિસ્તારમાં એક મોટી રકમની ચોરીનો બનાવ બન્યો છે. એક વેપારી ભર ઠંડીમાં રાત્રે પરિવારજનો સાથે સુઇ ગયા હતા. પણ સવારે ઉઠ્યા ને ઘરની હાલત જોઇને તેઓનો પરસેવો છુટી ગયો હતો. તસ્કરો તેમના ઘરમાંથી 24.70 લાખની મતા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના શાહીબાગમાં આવેલી સમૃધ્ધિ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય રાજેન્દ્રકુમાર જૈન પત્ની અને દીકરા સાથે રહે છે. દરિયાપુર ખાતે તેઓ મેટલની દુકાન ધરાવી વેપાર કરે છે. ગત 22મીની રાત્રે દુકાનેથી તેઓ ઘરે આવ્યા હતા. બાદમાં તેઓ જમીને ચાલવા ગયા હતા ત્યારે તેમના પત્ની ઘરે હાજર હતા અને દીકરો જેસલમેર ફરવા ગયો હતો. વોકિંગ કરીને આવેલા રાજેન્દ્રકુમાર મુખ્ય દરવાજો અને તેની સાથેનો અન્ય દરવાજો બંધ કરી સુઇ ગયા હતા. બેડરૂમમાં ગેલેરીનો દરવાજો કાયમ માટે ખુલ્લો રાખતા હોવાથી તે દરવાજો તેઓએ ખુલ્લો રાખીને સુઇ ગયા હતા.
આ પણ વાંચો: એક સમયે કરોડોમાં રમતા ગુજ્જુ ખેલાડીને છેલ્લી 4 સિઝનથી થઈ રહ્યો છે લોસજોકે સવારે ઉઠ્યા ત્યારે ચાલવા માટે જતા હતા ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો જોયો હતો. તેઓએ તેમના પત્નીને ઉઠાડીને દરવાજો બંધ કરવા બાબતે પૂછપરછ કરી હતી. ત્યાં દીકરાના બેડરૂમનો દરવાજો જોયો તો તે પણ ખુલ્લો હતો. દીકરાના બેડરૂમમાં જઇને જોયું તો કબાટ અને તીજોરીમાં બધુ અસ્ત-વ્યસ્ત હાલતમાં સામાન પડ્યો હતો. વહેલી સવારે જેસલમેર ફરવા ગયેલો દીકરો પરત આવ્યો અને ઘરમાં બધી જગ્યાએ તપાસ કરી તો ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 24.70 લાખની મતા ચોરી થઇ હતી.
જેથી સમગ્ર મામલે રાજેન્દ્રકુમારે શાહીબાગ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ચોરી અંગેની ફરિયાદ નોંધી તસ્કરોને શોધવા પ્રયત્નો હાથ ધર્યા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં તાજેતરમાં જ બાપુનગરમાં 20 લાખની લૂંટ થઈ હતી. જે કેસમાં અનેક સમય બાદ આરોપીઓ તો ઝડપાયા પણ ત્યાં બીજો એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. ટ્રાફિકની અવરજવર વાળા આઈ.આઈ.એમ રોડ પર લોકોની અવર જવર વચ્ચે જ બે લોકો વેપારીના 10 લાખ લઈ ફરાર થઇ ગયા હતા. ત્યાં વધુ એક મોટી રકમની ચોરી થતાં પોલીસની કામગિરી પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ત્યારે તાજેતરમાં બનેલા આ તમામ બનાવમાં તસ્કરો કે લૂંટારૂઓ કેટલા સમયમાં પોલીસ પકડમાં આવે છે તે એક સવાલ છે.
Published by:
rakesh parmar
First published:
December 23, 2022, 11:31 PM IST